શ્રદ્ધાની કિંમત

ઘણા સમય પહેલાની વાત છે. એક માણસ ખુબજ અમીર હતો અને તે દેશ-વિદેશમાં પોતાના ધંધા માટે ફરતો રહેતો હતો. એક વખત એક લાંબી મુસાફરી બાદ તે દરિયાયી માર્ગે એક વહાણમાં પરત ફરી રહ્યો હતો. અચાનક જ સમુદ્રમાં તોફાન શરુ થયું અને એવું લાગતું હતું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી.

આ માણસને એક સુંદર આરસનો મહેલ હતો અને તેને તેનો ગર્વ હતો. તેના દેશના રાજાને પણ તેવો મહેલ નહોતો અને રાજાએ તેને એ મહેલમાટે ઘણી કિંમત આપવાની કોશિશ કરી હતી. એ સિવાય બીજા ઘણા શ્રીમંતોએ તેને એ મહેલ માટે મોટી મોટી રકમ આપવાની વાત કરી હતી પરંતુ આ માણસે કોઈને પણ એ મહેલ વેચવાની સાફ ના પાડી દીધી હતી.

પરંતુ હવે જયારે એનું પોતાનું જીવન જ જોખમ માં હતું, ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે જો એ આ તોફાનમાં થી હેમખેમ બહાર નીકળી જાય અને બચી જાય તો તે તેનો મહેલ વેચી અને જે મળે તે ગરીબોમાં વહેચી દેશે.

અને ચમત્કાર થયો ! થોડા જ સમયમાં તોફાન શાંત થવા લાગ્યું. અને જેવું તોફાન ઓછું થવા લાગ્યું કે તરત જ તે માણસના મનમાં બીજો વિચાર શરુ થયો, “મહેલ વેચી દેવો એ વધારે પડતું છે, અને કદાચ આ તોફાન થોડા સમય પછી શાંત થવાનું જ હતું. મારે મહેલ વેચવાની વાત નહોતી કરવી જોઈતી હતી.

અને તેના આશ્ચર્ય વચ્ચે સમુદ્રના મોજાઓ ફરીથી ઉછળવા લાગ્યા અને તોફાન વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. આથી તે માણસ ખુબજ ડરી ગયો. અને તેણે મનોમન પ્રાર્થના કરી, “હે પ્રભુ, હું મુર્ખ છું, મારા વિચારોની ચિંતા ન કરો, મેં જે કહ્યું છે તે હું કરીને જ રહીશ, મારો મહેલ વેચીને તેમાંથી જે મળે તે ગરીબોને વહેચી દઈશ.

અને ફરી વખત તોફાન શાંત થયું અને ફરી વખત તેને બીજો વિચાર આવવા લાગ્યો, પરંતુ આ વખતે તે ખુબજ ડરી ગયો હતો.

તોફાન જતું રહ્યું અને તે હેમખેમ કિનારે પહોચી ગયો. બીજા દિવસે તેણે શહેરમાં પોતાના મહેલની હરરાજી કરવાનું જાહેર કરી દીધું, અને રાજા તથા બીજા શ્રીમંતોને તેમાં આવવાનું આમંત્રણ આપ્યું. રાજા, મીનીસ્ટર ઉચ્ચ અધિકારીઓ થી માંડીને શહેરના દરેક મોટા શ્રીમંતો હરરાજીમાં આવી ગયા કારણકે દરેક આ મહેલને ખરીદવા ઈચ્છતા હતા. પરંતુ આ માણસ જે કરી રહ્યો હતો તે જોઇને દરેકને નવાઈ લાગી.

તેણે મહેલની પાસે જ એક બિલાડી રાખી અને તેણે લોકોને કહ્યું, આ બિલાડી ની કિંમત ૧૦ લાખ છે અને આ મહેલ ની કિંમત છે માત્ર એક કોડી. પરંતુ હું આં બંને એકસાથે એક જ વ્યક્તિને વેચીશ. આખી વાત વિચિત્ર લગતી હતી. લોકો વિચારતા હતા કે આ બિલાડી તો સામાન્ય છે અને જરૂર એ કોઈ રખડતી બિલાડીને ઉપાડી લાવ્યો છે. પરંતુ આપણે શું ? આપણને તેનાથી શું નિસ્બત ?

રાજાએ બિલાડી ના દસ લાખ અને મહેલ ની કોડી આપીને બંને ખરીદી લીધા. પછી એ માણસે એક કોડી ભિખારીને આપીને ઉપર જોઇને કહ્યું,ભગવાન ! મેં જે માનતા માની હતી તે પૂરી કરી. મહેલની જે કિંમત આવી તે આ ભિખારીને આપી દીધી.

જે કામ ડરથી કરવામાં આવે છે તેમાં આપણે મન નથી લગાવી શકતા. અને આપણે ચાલાકી કરવા માંડીએ છીએ અને આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ. કામ ડરથી નહિ પ્રેમથી કરવું જોઈએ.

પ્રભુને ડરથી નહિ પ્રેમ થી યાદ કરો. તે ક્યાય ઉપર નહિ પરંતુ આપણી અંદર જ છે. તેમને સોદાબાજી થી નહિ પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસથી જીતી શકાય છે. પરંતુ આપણો સમાજ અને તેનો વ્યવહાર એવો થઇ ગયો છે કે આપણે દરેક વસ્તુની કિંમત કરતા થઇ ગયા છીએ, અને શ્રદ્ધાની પણ કિંમત મુકતા થઇ ગયા છીએ. અને સરવાળે આપણે આપણી જાતને જ છેતરવા લાગ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here