વિદુર નીતિ

માનવનો આત્મા એક નદી સમાન છે, જેમાં પુણ્યકર્મરૂપી ઘાટ બનેલા છે. આ નદીમાં સત્યરૂપી જલધારા વહે છે. જેમાં દયારૂપી લહેરો છે. ધીરજ એનો કિનારો છે. પુણ્યકર્મ કરનાર વ્યક્તિ જે નિર્મળ હોય છે, તે આ નદીમાં સ્નાન કરે છે. આ નદીમાં સ્નાન એ જ કરી શકે જે લોભી ન હોય અને વૈરાગ્યભાવવાળા હોય.

આ ઉપરાંત જીવાત્મામાં સંસારરૂપી નદી પણ છે, જેમાં પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું વિષ ભરેલું છે. અને જેની ધારામાં આ વિષયો સાથે સંકળાયેલા કામ અને ક્રોધરૂપી મગરો પણ નિવાસ કરે છે. આ નદીના જળરૂપી દુર્ગોને ધીરજની નૌકાઓ વડે જ પાર કરી શકાય છે.

જીવાત્મામાં બે પ્રકારની વૃત્તિઓ હોય છે. એક આત્મિક, જે જ્ઞાન, વિવેક, સંતો, સદવિચાર આદી ગુણોનું પોષણ કરે છે. જયારે બીજી વૃત્તિ તામસી ( ક્રોધી ) હોય છે, જે આ સંસારને જ સત્ય સમજી કામ, ક્રોધ તથા વિષયસુખના જાળમાં ફસાયેલી રહે છે.

આ મનુષ્ય લોકની ઉપર અને તેની નીચે ગહન અંધકાર છે. ત્યાં ઈન્દ્રિયોનું જ્ઞાન નથી રહેતું. તેને સારી રીતે ઓળખી જાણીને તેનાથી બચવાના પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્ય લોક મોટા ભાગ્યથી જ મળે છે. માટે તેમાં પુણ્ય કર્મો કરતા રહેવું જોઈએ.

જ્યાં સુખ, એશ્વર્ય વ્યાપ્ત છે એવા દેવલોકમાં માત્ર સુખ અને ઐશ્વર્ય જ પ્રાપ્ત કરી શકાય છે. આવા સુખ અને ઐશ્વર્યને મનુષ્ય લોકના પુણ્યકર્મો વડે જ મેળવી શકાય છે. અહી મનુષ્ય પાસે કર્મ કરવા માટે ન તો ઇન્દ્રિયો હોય છે ન કે તેનું જ્ઞાન.

આવી રીતે જ પશુલોકમાં ( જે મનુષ્ય લોકની નીચે છે ) શુભ કર્મો કરવાની પ્રવૃત્તિ નષ્ટ થઇ જાય છે. ત્યાં ઇન્દ્રિયો હોવા છતાં ન હોવા સમાન છે. માનવીએ આ બંનેથી બચવું જોઈએ.

મનુષ્યનું શરીર રથ છે, આત્મા તેનો સારથિ, અને ઈન્દ્રિયો ઘોડા છે. તેમને વશમાં રાખીને કુશળ સારથિ ધીરજ સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે.

હૃદય, બુદ્ધિ, તેમજ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરીને માનવી પોતાના આત્માને ઓળખી શકે છે. એને ઓળખવો જ જોઈએ. કારણ કે આ શત્રુ પણ છે અને મિત્ર પણ ! જેને પોતાના હૃદય, બુદ્ધિ, અને ઇન્દ્રિયો પર જીત નથી મેળવી તે જીવાત્મા ખુદ પોતાનો જ શત્રુ છે. જેને એમને ધીરજપૂર્વક નિયંત્રણમાં કરી લીધા છે તે જ પોતાનું કલ્યાણ કરી શકે છે.

જેવી રીતે સમુદ્રને પાર કરવા માટે નૌકા જ એકમાત્ર સાધન છે. તેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એક માત્ર સાધન સત્ય અર્થાત બ્રહ્મનું જ્ઞાન છે, પરંતુ તમે તેને સમજી નથી શકતા. અને વ્યર્થના લોભ, મોહ, તેમજ અનીતિના પ્રભુત્વ પાછળ દુ:ખી થઇ રહ્યા છો.

ઉપનિષદ, પુરાણો, તેમજ વિભિન્ન વૈદિક વિદ્વાનોના નીતિશ્લોકમાં જે સત્યનો મહિમા ગાવામાં આવ્યો છે તે બ્રહ્મ છે. તેને પરમાત્મા અથવા પુરુષ પણ કહેવામાં આવ્યો છે ! આ સૃષ્ટિ નિર્માણનું મૂળતત્વ છે. આઈસ્ટાઇન જેવા આધુનિક વૈજ્ઞાનિકો પણ આ મૂળતત્વને સ્વીકારે છે.

આ મૂળતત્વ જ સત્ય છે બાકીનું બધું અનીતિનું હોવાને કારણે અસત્ય. માટે મનુષ્યે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અનીતિની પાછળ દોડવાથી દુ:ખ અને માનસિક કલેશ સિવાય બીજું કશું મળવાનું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here